શ્રવણ ગર્ગ : જાણીતા અખબાર ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના આ સનસનીખેજ ખુલાસા પર વડાપ્રધાન, એમના મંત્રીમંડળના સહયોગીઓ અને સત્તારૂઢ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તાઓએ મૌન જાળવી રાખ્યું છે કે પોતાના જ દેશના નાગરિકોની જાસૂસીના ઇરાદે સેંકડો કરોડના ખર્ચે હાઈ ટેકનિકવાળાં પેગાસસનાં ઉપકરણો સરકારે ઇઝરાયેલની એક કંપની પાસેથી ખરીદ્યાં હતાં. અખબારના સમાચાર મુજબ, બે અબજ ડૉલર મૂલ્યનાં આધુનિક હથિયારોની ખરીદી સાથે જ નાગરિકોના અંગત મોબાઇલમાં ઉચ્ચ ટેકનોલોજી દ્વારા પ્રવેશ કરીને એમના કામકાજની જાસૂસી કરવા માટે સક્ષમ ઉપકરણોને પણ હાંસલ કરવાનો સોદો વડાપ્રધાનની જુલાઈ 2017માં થયેલ ઇઝરાયેલ યાત્રા દરમિયાન કરવામાં આવેલ. કોઈ પણ ભારતીય વડાપ્રધાનની એ પહેલી ઇઝરાયેલ યાત્રા હતી.
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં થવા જઈ રહેલ અગત્યની ચૂંટણીઓ અગાઉ ટાણે જ અમેરિકી અખબાર દ્વારા કરાયેલ ઉપરોક્ત ખુલાસા અગાઉ સુધી તો દેશની સર્વોચ્ચ સંવૈધાનિક સંસ્થા સંસદ, ન્યાયતંત્ર, વિરોધ પક્ષો અને નાગરિકો પૂરેપૂરા આશ્વસ્ત હતા કે ન તો સરકારે પેગાસસ ઉપકરણો ખરીદ્યાં છે અને ન તો તેના મારફતે કોઈ જાસૂસી થઈ છે. એ વિશ્વાસ હવે સાવ તૂટી ગયો છે. તાજેતરના ખુલાસાએ દેશમાં લોકશાહીના અસ્તિત્વ અને નાગરિકોની અંગત જિંદગીમાં એમની અભિવ્યક્તિની આઝાદીનું સન્માન કરવાને થઈને સરકારના ઇરાદાઓને પાંજરામાં ઊભા કર્યા છે. એ એક અલગ મુદ્દો છે કે વડાપ્રધાન, સરકાર અને આંતરરાષ્ટ્રીય જગતમાં દેશની પ્રતિષ્ઠાને લઈને હવે કેવા પ્રશ્નો પૂછાશે અને એ પણ કે કરોડોની સંખ્યામાં પરદેશમાં વસતા ભારતીય મૂળના નાગરિકો પાસ આપવા માટે શું જવાબ હશે !
હાલના ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) મંત્રી અશ્વિની વૈષ્ણવે જ્યારે ગત વર્ષે સંસદમાં ભારત દ્વારા પેગાસસનો ઉપયોગ કરવાના સમાચારોને આધારહીન અને સનસનીખેજ જણાવતાં ફગાવી દીધેલ ત્યારે એમના કહેવા પર શંકાની શક્યતા સાથે વિશ્વાસ રાખવામાં આવેલ. પૂછાઈ રહ્યું છે કે હવે સરકાર એ જ સંસદ અને એ જ વિપક્ષી સવાલોનો સામનો કઈ રીતે કરશે ? શું હવે એના એટલા જ જવાબ -સુપ્રિમ કૉર્ટ દ્વારા આખાય પ્રકરણની તપાસ કરવા માટે બનેલ સમિતિનો અહેવાલ મળે ત્યાં સુધી કંઈ પણ તારણ કાઢતાં અગાઉ રાહ જોવી જોઈએ- આપવા માત્રથી વિપક્ષ અને દેશની જનતા વિશ્વાસ કરશે ? તો શું આઝાદી મળ્યા પછીના આ સૌથી મોટા જાસૂસી કાંડને લઈને સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે પણ ટક્કરની શંકા માટે દેશે તૈયારી રાખવી રહી ?
તાજા બનાવના પરિપ્રેક્ષ્યમાં શું સરકારને એમ ન પૂછી શકાય કે વિદેશી તાકાતો માટે જાસૂસી કરનારને દેશદ્રોહના અપરાધી ઠરાવનાર તંત્રમાં પોતાના જ નાગરિકોની જાસૂસી કરવાને અપરાધની કઈ શ્રેણીમાં રાખી શકાય ? આવા મામલે નૈતિકતાનો શું તકાજો હોઈ શકે જેમાં વિદેશી સંસાધનોની મદદ લઈને સ્થાપિત લોકશાહીના પાયાને કમજોર કરવાના નિયોજિત પ્રયાસો થતા હોય ?
પેગાસસનો કિસ્સો જ્યારે પહેલી વાર ગાજ્યો ત્યારે રવિશંકર પ્રસાદ કેંદ્રમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી હતા. એમણે જાસૂસીના આરોપોનું ખંડન કરવાને બદલે એમ કહીને સરકારનો બચાવ કર્યો હતો કે જ્યારે દુનિયાના પિસ્તાલીસ દેશો પેગાસસનો ઉપયોગ કરી રહેલ છે તો એને લઈને આપણે ત્યાં શું કામ આટલી બબાલ મચી છે ? એમના આ રીતના જવાબ પછી એવી ટિપ્પણી થઈ હતી કે કોઈ દિવસ કોઈ બીજા મંત્રી ઊભા થઈને એમ ન પૂછે કે જો દુનિયાના 167 દેશો વચ્ચે ‘પૂર્ણ લોકશાહી’ માત્ર ત્રેવીસ દેશોમાં જ જીવિત છે અને સત્તાવનમાં સરમુખત્યારશાહી વ્યવસ્થા છે તો ભારતને જ લઈને આટલી બબાલ કેમ મચાવાય છે ? બ્રિટનના અગ્રણી અખબાર ‘ધ ગાર્ડિયન’એ ત્યારે લખ્યું હતું કે જે દસ દેશ કથિત રીતે પેગાસસ મારફતે જાસૂસીના કામમાં સામેલ છે ત્યાં સરમુખત્યારશાહી હકુમત ચાલે છે.
‘ન્યુયોર્ક ટાઇમ્સ’એ પોતાના વર્ષભરના સંશોધન પછી મેક્સિકો, સાઉદી અરબ સહિત જે તમામ દેશોમાં શાસન દ્વારા પેગાસસ ઉપકરણો દ્વારા સત્તાવિરોધીઓની જાસૂસી કરવાનો ખુલાસો કર્યો છે એના પડછાયે ખ્યાલ આવે છે કે ભારતીય લોકશાહીને લઈને ક્યા પ્રકારની માન્યતાઓ દુનિયામાં સ્થાપિત થઈ શકે છે. પેગાસસ જાસૂસી ઉપકરણો મારફતે ન કેવળ પત્રકારો, વિપક્ષી નેતાઓ, માનવાધિકાર કાર્યકર્તાઓ, ન્યાયતંત્ર અને ચૂંટણી આયોગ સાથે સંલગ્ન હસ્તીઓને જ નિશાન બનાવવાના આરોપ છે, સરકારના જ કેટલાક મંત્રીઓ, એમના પરિવારજનો, ઘરેલુ કર્મચારીઓ અને અધિકારીઓનો પણ પીડિતોની યાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અત્યાધુનિક ઉપકરણોની મદદથી એ સરકાર દ્વારા પોતાના જ એ નાગરિકોની જાસૂસી કરવી કે જેમણે પૂરા વિશ્વાસથી પોતાના રક્ષણની જવાબદારી સોંપી છે, એક ખતરનાક પ્રકારનો ડર ઊભો કરે છે. ડર એ કે જે નાગરિક હાલ સત્તાના શિખરે બેઠેલ પોતાના નેતાઓની ક્ષણે ક્ષણે બદલાતી મુદ્રાઓથી માત્ર સાર્વજનિક ક્ષેત્રમાં જ ભયભીત થયા કરે છે એમણે હવે સરકારો દ્વારા ગુપ્ત ટેકનિકલ ઉપકરણોની મદદથી પોતાના અંગત જીવનની જાસૂસીના શિકાર બનવા પણ તૈયાર રહેવું પડશે. સવાલ એ ઊભો થાય છે કે શું જનતા દ્વારા આપવામાં આવેલ નાણાંથી કોઈ પણ સરકાર દ્વારા એની જ વિરુદ્ધ જાસૂસી કરવા હથિયારો ખરીદી શકાય છે ? આવી સ્થિતિ તો ત્યારે ઊભી થાય છે જ્યારે કાં તો જનતા પોતાના શાસકોનો વિશ્વાસ ગુમાવી બેસે છે અથવા તો શાસકોની શંકા એ વાતે વધે છે કે એક મોટી સંખ્યાના લોકો વ્યવસ્થા વિરુદ્ધ ‘ષડયંત્ર’ કરી રહ્યા છે અને એમાં પાર્ટી-સંગઠનના અસંતુષ્ટો પણ ચોરીછુપીથી સાથ આપી રહ્યા છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ એ રહસ્યનો ક્યારેય ખુલાસો નહીં કરી સકે કે સંસદમાં રજૂ થઈને મંજૂર થનાર બજેટોમાં જનતાની જાસૂસી માટે સાધનોની ખરીદીની જોગવાઈ ક્યા મથાળા હેઠળ થતી હશે ?
(मूल हिंदी आलेख का गुजराती में अनुवाद )