શ્રવણ ગર્ગ : વડાપ્રધાનની આસપાસ એક એવું તંત્ર પ્રસરી ગયું છે જેણે દેશની મોટા ભાગની વસ્તીને એમના રોજબરોજના કામો અને વ્યક્તિત્વના દબદબા સાથે ચોવીસે કલાક માટે કામે લગાડી દીધી છે. વડાપ્રધાનની હાજરી લોકોની જરૂરિયાતોમાં હવા-પાણીની માફક જ સામેલ કરવામાં આવી રહી છે. પાર્ટી અને તંત્રથી પર વડાપ્રધાનની છબી ‘હર-હર મોદી, ઘર-ઘર મોદી’ના ‘કલ્ટ’ તરીકે વિકસિત અને સ્થાપિત કરાઈ રહી છે. નાગરિકોને બીજું કંઈ વિચારવાનો મોકો જ નથી અપાઈ રહ્યો. મોંઘવારી તો બહુ દૂરની વાત છે.
જુદા જુદા કારણોસર સતત ચર્ચામાં રહેતા ઇંદોર શહેરના એક સમાચાર એવા છે કે એક મુસ્લિમ ભાડુઆતે પોતાના મુસ્લિમ મકાનમાલિક વિરુદ્ધ અધિકારીઓને ફરિયાદ કરી કે એને મકાન ખાલી કરવાની ધમકી એટલા માટે અપાઈ રહી છે કે એણે વડાપ્રધાનની તસવીર ઘરમાં લગાડી છે. તપાસ પછી જણાવાયું કે બંને વચ્ચે વિવાદ તો ભાડાની લેણ-દેણનો છે ! ભાડુઆતને એમ કે મોદીની તસવીર એને માટે સુરક્ષાકવચ બની રહે. ભાડુઆત જો બહુસંખ્ય સમુદાયનો હોત તો સંજોગો તપાસ પૂરી થતાં અગાઉ જ કંઈ બીજું રૂપ લઈ લેત. સાર એટલો કે લોકો વડાપ્રધાનની તસવીરનો ઉપયોગ પોતે ડરવામાં પણ કરે છે અને બીજાને ડરાવવામાં પણ !
એક મીડિયા પ્લેટફોર્મની યૂ-ટ્યૂબ ચેનલ ચર્ચા દરમિયાન એક પેનલિસ્ટે જ્યારે પહેલી વાર કહ્યું કે ભાજપ દેશ પચાસ વરસ સુધી રાજ કરશે તો એમના કથનને ‘દરેકના ખાતામાં પંદર લાખ આવી જશે’ જેવો જ કોઈ જુમલો માનીને ફગાવી દેવાયો. પેનલિસ્ટે જ્યારે પોતાના દાવાને ભારપૂર્વક એ સુધારા સાથે બેવડાવ્યો કે મોદી જ બીજાં પચાસ વરસ સુધી રાજ કરવાના છે તો એમની વાત પર નવેસરથી વિચારવું પડ્યું. અહીં કહવેનો અર્થ એ છે કે પેનલિસ્ટ ન તો મોદીભક્ત છે કે ન તો બહુસંખ્યક સમુદાયથી છે. એમણે પોતાના દાવાની તરફેણમાં કેટલાક તર્ક પણ રજૂ કર્યા.
‘ભારત છોડો આંદોલન’ની પૂર્વ સંધ્યાએ 8 ઓગસ્ટ 1942ના દિવસે મુંબઈમાં આયોજિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકમાં ગાંધીજીએ જ્યારે ઘોષણા કરી હશે કે એ પૂર્ણ જીવન જીવવા ઇચ્છે છે અને એમના મુજબ પૂર્ણ જીવનનો અર્થ એકસો પચીસ વર્ષ થાય છે તો કેટલાય લોકો આશ્ચર્યચકિત થયા હશે. ગાંધીજીએ આગળ એ પણ ઉમેર્યું કે ત્યાં સુધી કેવળ ભારત જ નહીં બલકે આખી દુનિયા પણ આઝાદ થઈ જશે. (ગાંધીજીની ઉંમર એ વખતે 73 વર્ષની હતી.) ગાંધીજી દૃઢ ઈચ્છાશક્તિ ધરાવતા વ્યક્તિ હતા એટલે એમને પોતાના પર પૂરો વિશ્વાસ હશે કે એ સવાસો વરસ સુધી જીવતા પણ રહી શકે છે અને દેશ માટે કામ પણ કરી શકે છે. એમણે દોઢસો વર્ષ જીવતા રહેવા જેવી અશક્ય વાત નથી કહી. (આપણે બધાએ તાજેતરમાં જોયું કે કઈ રીતે સવાસો વર્ષના સ્વામી શિવાનંદ ખુલ્લા પગે ચાલતા પદ્મશ્રી પુરસ્કાર લેવા માટે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં પહોંચ્યા હતા અને કોઈ ટેકા વગર એમણે વડાપ્રધાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા.)
ચીન અને રશિયાના રાષ્ટ્રપતિઓએ પોતાના દેશવાસીઓને જણાવી રાખ્યું છે કે એ હજુ કેટલા વર્ષો સુધી પોતાના પદ પર રહીને એમની સેવા કરવાના છે. વર્તમાન રાષ્ટ્રપતિ જિનપિંગના નેતૃત્વમાં ચીની બંધારણમાં ફેરફાર દ્વારા રાષ્ટ્રપતિઓના બે વારથી વધુ પદ પર રહેવાની સમય-મર્યાદાને ખતમ કરી દેવાઈ. એટલે 2003થી રાષ્ટ્રપતિ 68 વર્ષીય શી જિનપિંગ હવે જ્યાં સુધી ઇચ્છશે ત્યાં સુધી સત્તામાં રહી શકશે. એમણે પોતાના પ્રતિસ્પર્ધીઓને પણ સત્તાની હોડમાંથી બહાર કરી દીધા છે.
પોતાના માટે બનાવેલ કાયદા અનુસાર, 69વર્ષીય રશિયન રાષ્ટ્રપતિ પુતિન પણ હવે 2036 સુધી સત્તામાં રહી શકશે. એ ત્યારે 83 વર્ષના થઈ જશે.પુતિન 1999થી સત્તામાં છે. 1999થી 2008 સુધી એ દેશના વડાપ્રધાન છે. પછીથી રાષ્ટ્રપતિ બની ગયા. ચીન અને રશિયા બંનેમાં આવનારા કેટલાય વર્ષો સુધી એ વાતની કોઈ ચર્ચા નહીં થાય કે જિનપિંગ પછી કોણ ? કે પુતિન પછી કોણ ? નહેરૂના જમાનાથી ભારતના રાજકારણમાં ચર્ચા થતી આવી છે કે નહેરુ પછી કોણ ? ઇંદિરા ? કે વાજપેયી ? વાજપેયીજીના મામલામાં તો મનાતું હતું કે અડવાણી જ એમના ઉત્તરાધિકારી થશે.
વડાપ્રધાન મોદીએ જનતા અને ભાજપ બંનેને એટલા જબરદસ્ત રીતે 24 કલાક વ્યસ્ત કરી દીધેલ છે કે મોદી પછી કોણ ? એનો વિચાર પણ કોઈ પોતાના મનમાં ય લાવી નથી શકતા.ભારતમાં વડાપ્રધાનોમાં પદ પર રહેવાની એમ પણ કોઈ બંધારણીય મર્યાદા નથી. મોદીએ પોતાના તરફથી પણ મનની વાત ક્યારેય જાહેર નથી કરી કે એ ક્યાં સુધી પદ પર રહેવા ઇચ્છે છે. એમની નજરમાં ચોક્કસપણે એવા કેટલાય મોટા કામ હજુ બાકી હશે જે એમના જ દ્વારા પૂરા થવાના હશે. વર્તમાન જવાબદારીઓ સાથે મોદીએ પોતાને એટલા એકાકાર કરી દીધા છે કે 71 વર્ષની ઉંમરે પણ એ જબરદસ્ત રીતે કામ કરતા દેખાય છે. કહેવાય છે કે એમના મંત્રીમંડળના સહયોગીઓ જ્યારે સવારે ઊઠીને આંખો ચોળતા હોય, ત્યારે મોદી જરૂર પડ્યે કેબિનેટની મીટિંગ પણ બોલાવે છે. વડાપ્રધાનની અસીમિત ઊર્જામાં એ પણ સામેલ છે કે એ પ્રશંસકો સાથે વિરોધીઓને પણ આખો દિવસ વ્યસ્ત રાખે છે. કહેવાય છે કે વડાપ્રધાન તરીકે મોદી એ ક્ષણથી કમજોર થવા લાગશે જે ક્ષણથી વિપક્ષીઓઓ એમના વિશે વિચારવાનું અને એમની પર ચઢી બેસવાનું બંધ કરી દશે.
મોદીની દિનચર્યાને લઈને એક જૂની માહિતી મુજબ વડાપ્રધાન કેવળ સાડાત્રણ કલાકની જ ઊંઘ લે છે. મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમના ડૉક્ટરમિત્રો એમને સતત સલાહ આપતા હોય છે કે ઓછામાં ઓછા પાંચ કલાકની ઊંઘ લેવી જોઈએ પણ હું કેવળ સાડાત્રણ કલાક જ સૂઈ શકું છું. મોદીનો આ ઇન્ટરવ્યૂ અગિયાર વર્ષ અગાઉ (2011)નો છે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, વડાપ્રધાન નહોતા બન્યા. એમની ઊંઘને લઈને મહારાષ્ટ્ર ભાજપપ્રમુખ ચંદ્રકાંત પાટીલે તાજેતરમાં કહ્યું હતું કે વડાપ્રધાન કેવળ બે કલાક સૂએ છે અને બાવીસ કલાક કામ કરે છે. એ પ્રયોગ કરી રહ્યા છે કે સૂવાની જરૂર જ ન પડે. એ દરેક મિનિટ દેશ માટે કામ કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોડી રાત સુધી કામ કરતા હતા પણ પાંચ કલાકની નિદ્રા લેતા હતા.
આલેખનો સાર એ છે કે એ તમામ વિપક્ષી દળો જેમનો એકમાત્ર ઉદ્દેશ મોદીને સત્તાથી દૂર કરવાનો છે એમણે પોતાની ઊંઘના કલાકો ઓછા કરવા પડશે અને જનતા સાથે વ્યસ્તતા વધારવી પડશે. આપણી વાત એક પેનલિસ્ટના આ દાવાથી શરૂ કરી હતી કે મોદી હજુ બીજા પચાસ વર્ષ સત્તામાં રહેશે. સવાસો વર્ષ સુધી સક્રિય રહેવાની ફોર્મ્યૂલા સ્વામી શિવાનંદ પાસેથી મેળવી શકાય છે. વિપક્ષી દળો દ્વારા આરોપ લાગી શકે કે મોદીને લઈને હું એમને ડરાવી રહ્યો છું.
( मूल हिंदी आलेख का गुजराती अनुवाद )