તા.૨૮ : છ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ફરી એકવાર ગુજરાત સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીનો સંગ્રામ ચાલી રહ્યો છે. મહાનગરપાલિકા બાદ જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે (૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૧) મતદાન થઇ રહ્યું છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકામાં કાૅંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કોંગ્રેસ નેતા હોવા છતાં કાૅંગ્રેસને મત આપી શક્યા ન હતા. કારણ એવું છે કે, હાર્દિક પટેલ જે વિસ્તાર રહે છે તે વૉર્ડમાં કાૅંગ્રેસે પોતાનો ઉમેદવાર જ ઊભો રાખ્યો નથી. વિરમગામ નગરપાલિકામાં વોર્ડ-૨માં કાૅંગ્રેસે ઉમેદવાર ઊભો ન રાખતા આખરે વોર્ડમાં ભાજપ અને અપક્ષ પેનલ ઊભી રહી હતી. આ કારણે કાૅંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષને મત આપી શક્યા ન હતા. આ અંગે હાર્દિક પટેલે પત્રકારોને જવાબ આપતા કહ્યું હતું કે, અમારા વિસ્તારમાં અપક્ષ સભ્યોની પેનલ પહેલાથી ઊભી રહે છે. જે વ્યક્તિ વિરમગામ વિસ્તારના વિકાસની વાત કરશે તેને મારો મત આપ્યો છે. અહીં વોર્ડ- ૨માં ઊભા રહેલા અપક્ષ ઉમેદવારને મારો મત આપ્યો છે. કારણ કે કાૅંગ્રેસ પાર્ટી અપક્ષ પેનલનું સમર્થન કર્યું છે. જે જનતા સેવા કરતા હશે તેને અમારો ટેકો હશે. લોકોને મત આપવાની અપીલ કરતા હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, પ્રજા તંત્રમાં મત આપવો એ મોટું દાન છે. મત આપી લોકતંત્ર અને પ્રજાતંત્ર મજબૂત કરવા લોકોએ મતદાન કરવા બહાર નીકળવું જાેઇએ. મહાનગરપાલિકામાં મતનું પ્રમાણ ઘટ્યું હતું પરંતુ ગ્રામીણ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે. હાર્દિક પટેલ કાૅંગ્રેસ માટે મતદાન ન કરી શક્યા તે મુદ્દે વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલની કમનસીબી ગણાય કે તે પોતાની પાર્ટી માટે મત ન આપી શક્યો. તેમના વોર્ડમાં કાૅંગ્રેસ પક્ષ પોતાનો ઉમેદવાર ઊભો રાખી શકી નથી. વિરમગામ વિધાનસભા હેઠળ આવતી આઠ જિલ્લા પંચાયત એક પણ પાટીદારને હાર્દિક ટિકિટ અપાવી શક્ય નથી. કાૅંગ્રેસે પાર્ટી પાટીદારોને ન્યાય નથી આપી શકી તે હકીકત છે.
