નવી દિલ્હી,તા.૧ : દેશમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે અને ૧ માર્ચથી દેશમાં વેક્સીનેશનનો બીજાે તબક્કો શરૂ થયો છે. આજે (સોમવાર) સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાની રસી લીધી છે. પીએમ મોદીએ દિલ્હીની એમ્સમાં કોવિડ-૧૯ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. રસી લીધા બાદ પીએમ મોદીએ ટિ્વટ કરીને આ વિશે દેશવાસીઓને જાણકારી આપી છે અને ભારતને કોરોના મુક્ત કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ તસવીર શેર કરીને લખ્યું, આજે મેં કોવિડ-૧૯ વેક્સીનનો પહેલો ડોઝ એમ્સમાં લીધો છે. ઉલ્લેખનીય છે કે, આપણા ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ ખૂબ ઓછા સમયમાં કોરોના સામેની વૈશ્વિક જંગને મજબૂત કરવાનું કામ કર્યું છે.
જે લોકો યોગ્ય છે તે સૌને હું કોરોના વેક્સીન લેવાની અપીલ કરું છું. આવો સાથે મળીને આપણે ભારતને કોવિડ-૧૯થી મુક્ત કરવામાં યોગદાન આપીએ. પુડ્ડુચેરીના સિસ્ટર પી. નિવેડાએ પીએમ મોદીને કોવેક્સિન (ભારત બાયોટેકની રસી) આપી છે. કોરોનાની રસીનો પહેલો ડોઝ લેવા આવેલા પીએમ મોદીએ અસમનો ગમછો પહેર્યો હતો. તેમણે અગાઉ પણ ઘણા પ્રસંગોએ આ અસમી ગમછો પહેરેલો છે. પીએમ મોદી વહેલી સવારે જ એમ્સ પહોંચી ગયા હતા જેથી સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ના નડે. દેશમાં આજથી કોરોના વેક્સીનના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. હવે ૬૦ વર્ષથી વધુની વયના અને અન્ય બીમારીઓથી પીડિત ૪૫ વર્ષ કે તેનાથી વધુની ઉંમરના લોકો રસી લઈ શકશે.
સરકારે આ માટે તૈયારીઓ કરી લીધી છે. ખાસ વાત એ છે કે, સરકારી સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સીનના એક ડોઝની કિંમત કેંદ્ર સરકારે ૨૫૦ રૂપિયા નક્કી કરી છે. સરકારી હોસ્પિટલોમાં કોરોના વેક્સીન અગાઉની જેમ જ નિઃશુલ્ક મળશે. નાગરિકો ર્ઝ્રં-ઉૈંદ્ગ ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરીને પણ વેક્સીન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત રસીકરણના કેંદ્ર પર જઈને પણ નોંધણી કરાવી શકાશે. એવા તમામ નાગરિકો કે, જે ૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ૬૦ વર્ષ કે તેનાથી વધુ વયના હોય તથા ૪૫થી ૫૯ વર્ષની ઉંમરના લોકો કે જેઓ નિર્ધારિત કરવામાં આવેલી ૨૦ બીમારીઓમાંથી કોઈથી એકથી પણ પીડાતા હોય તો રજિસ્ટ્રેશન કરાવી શકશે.
