મુંબઇ, તા. ૧ : હંમેશા વિવાદમાં રહેતી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીમાં વધારો થયો છે. ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના વિરુદ્ધ માનહાનીનો દાવો કર્યો હતો, જેમાં આજે પહેલી માર્ચે કંગનાના નામે જામીનપાત્ર વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કંગના પર આરોપ છે કે, તેણે જાવેદ પર પાયાવિહોણા આરોપ મૂકીને તેમનું નામ બગાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ કેસમાં આજે સોમવારે મુંબઇ અંધેરી સ્થિત મજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. આ મામલે જાવેદ અખ્તરના વકીલે કોર્ટ સમક્ષ તેમનો પક્ષ રાખ્યો હતો. પરંતુ કંગના અને તેમના વકીલ સુનવણીમાં હાજર રહ્યાં નહોતા. જ્યારે કંગના તરફથી જૂનિયર વકીલે કહ્યું કે, સીનિયર વકીલ બપોરે આવશે. જે અંગે તેમને જજ આર આર ખાન તરફથી સાંભળવા મળ્યું હતું. સાથે જ તેમણે કંગનાના વકીલને ૨૫ મિનિટમાં કોર્ટમાં પહોંચવા કહ્યું હતું. જે બાદ સુનવણી હાથ ધરાઇ હતી.
ઉલ્લેખીય છે કે, જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રનૌત પર ટીવી ઇન્ટરવ્યૂમાં કથિત રીતે તેમના વિરુદ્ધ માનહાની કરનારી અને પાયાવિહોળી ટિપ્પણી કરવા બદલ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અંધેરી મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ સમક્ષ માનહાનીની ફરિયાદ કરી હતી.
