નવી દિલ્હી, તા. ૧ : છેલ્લા કેટલાક સમયથી ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામી પોતાની જ સરકાર સામે આકરા તેવર બતાવી રહ્યા છે. હવે ડો.સ્વામીએ તાજેતરમાં પૂરા થયેલા ડિસેમ્બર ક્વાર્ટર બાદ જાહેર થયેલા જીડીપીના આંકડા પર સવાલ ઉઠાવ્યા છે.
સરકાર દ્વારા જાહેરાત પ્રમાણે જીડીપીમાં ૦.૪%નો વધારો જાેવા મળ્યો છે. બે ક્વાર્ટર પહેલા જીડીપી માઈનસ ૨૪% હતી અને હવે લેટેસ્ટ આંકડા પ્રમાણે દેશ મંદીમાંથી બહાર નીકળી ચુક્યો છે તેમ કહેવાઈ રહ્યુ છે.
જાેકે ડો. સ્વામીનુ કહેવુ છે કે, જાે લાસપેઈરેસ પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે જાેવામાં આવે તો ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ માઈનસ ૧૦% રહે છે અને જાે પાસચે ઈન્ડેક્સનો ઉપયોગ કરે તો આ આંકડો માઈનસ ૧૫% સુધી જઈ શકે છે. કારણકે આ બંને ઈન્ડેક્સમાં એમએસએમઈ અને અસંગઠિત સેક્ટરને પણ સામેલ કરવામાં આવતુ હોય છે અને મંદીની માર આ બંને સેક્ટર પર જ વધારે છે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીમાં લગભગ આઠ ટકાનો ઘાટો થાય તેવુ અનુમાન છે.ગત જુન મહિનાના ક્વાર્ટર બાદ ઈકોનોમી માઈનસ ૨૪% થઈ હતી.જાેકે એ પછી સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટર બાદ જીડીપી માઈનસ ૭.૫% પર રહયું હતું.
