ગાંધીનગર,તા.૧ : આજે પહેલી માર્ચ- સોમવારથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોનાને કારણે આ વખતે વિધાનસભામાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે આજે શરૂ થનારા સત્ર પહેલા ગુજરાત કાૅંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. જેમાં ગુજરાત કાૅંગ્રેસના બે ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે હાથમાં મોંઘવારી અંગેના બેનરો લઇને વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કર્યું છે. કાૅંગ્રેસનાં ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે પહોંચ્યા વિધાનસભામાં મોંઘવારી, વેટ ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવ જેવા મુદ્દે વિવિધ બેનરો હાથમાં લઇને વિધાનસભા પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત કાૅંગ્રેસનો વિરોધ જાેઇને તેઓ વિધાનસભામાં પણ હોબાળો કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યાં છે. તેઓ આ મુદ્દે વોકઆઉટ કરી શકે છે.
બીજી તરફ કાૅંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ પણ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. બેનરમાં યુવાનોને રોજગારી આપવા, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગેસ સિલિન્ડરની કિંમત અને કૃષિ બિલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સત્રમાં ભાજપ સરકાર યુપી સરકારની જેમ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરશે તેવી માહિતી પણ પ્રદિપસિંહ જાડેજાએ આપી છે. આ ઉપરાંત ૩જી માર્ચે નાણાંમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે.નિતિન પટેલ ૯મી વાર વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. ૨૪ દિવસ સુધી બજેટ સત્ર ચાલશે.
